Saturday, August 20, 2011

અણ્ણા હમ તુમ્હારે સાથ હૈ, આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ… એક મિનિટ થોભો અને વિચારો



અણ્ણા કી યે આંધી હૈ, ઔર યે દૂજા ગાંધી હૈ… અણ્ણા હમ તુમ્હારે સાથ હૈ… લોકપાલ (કે જનલોકપાલ) હમારા હક્ક હૈ… આવા સૂત્રોથી હમણાના દિવસોમાં આખું ભારત અને મીડિયા ગૂંજી રહ્યું છે. રામલીલા મેદાન મેદનીથી ઉભરાઈ ગયું છે, રસ્તાઓ પર લોકોના ટોળાં પોસ્ટર અને મશાલ લઈને નીકળી પડ્યાં છે, બાઈકર્સ અને સાયકલીસ્ટોની સવારી ગલીએ ગલીએ ગૂંજતી દેખાય છે. અરે, સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓ પણ બાકાત નથી રહ્યાં આંદોલનની ગતિ તેજ કરવા માટે.

ભ્રષ્ટાચારે ભારત અને તેની પ્રજાને કેટલી હદે હેરાન કર્યું છે તેનું પરિણામ બતાવી રહ્યું છે આ જનસૈલાબનું આક્રોશભર્યું આંદોલન. ખરેખર, લોકોનો આટલો આક્રોશ અને જાગૃતતા જોઈને આંખ ભરાઈ આવે છે. ભારતની આઝાદીના સમયના જોયેલા ચળવળના બ્લેક એન્ડ વ્હાઈટના વિડીયો આંખો સામે રંગીન થઈને દેખાય તેવું લાગી રહ્યું છે. અણ્ણાના સમર્થનમાં હજ્જારોની ભીડ ઉમટી પડી છે, ગામ અને શહેરના દરેક લોકોમાં વિરોધનો આક્રોશ જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધું જોતાં નથી કરવો તેમ છતાં મનમાં થોડો વિચાર એવો થાય છે કે શું ખરેખર રસ્તા ઉપર આવી ચડેલી, રામલીલા મેદાનમાં ઉભરાયેલી ભારતની આ પ્રજા જાગી ગઈ છે? આ ઉમટેલી પ્રજાની મેદની ક્યાંક ભોળવાયેલું કે ઘેટાંચાલનું ‘ટોળું’ તો નથી ને? આવો ‘નેગેટીવ’ વિચાર કરીને ભારતની પ્રજાને પાછી પાડવાની કે તેની ખોટી ટિપ્પણી કરીને પોતાની જાતને સ્માર્ટ સાબિત કરવાનો એક રતિભર પણ ઈરાદો નથી. વિચાર એટલે આવે છે કે કારણકે જે પ્રજા આજે અણ્ણાના નેતૃત્ત્વ હેઠળ આટલી આક્રોશભરી થઈ ગઈ છે તે ખરેખર ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગતી હોય તો તેમને અણ્ણા જેવા કોઈની જરૂર જ નથી. વાસ્તવમાં જો પ્રજા ખરેખર જાગૃત થાય તો અણ્ણા હજારે કે અન્ય કોઈ માટે આવા અનશનની કે વિરોધની નોબત જ ન આવી હોત.

હા, ક્ષણ ભર દિલ અને દિમાગ શાંત કરીને જરા વિચારી જુઓ, પોતાની આત્માને ઝંઝોળીને પૂછી જુઓ. ખરેખર, તમે એક જાગૃત નાગરિક બનીને આંદોલનનું સમર્થન કરી રહ્યાં છો? આ ફક્ત અણ્ણા હજારેના આંદોલન પૂરતી વાત નથી પરંતુ દરેક આંદોલન કે ચળવળમાં સમર્થન આપતી વખતે ઘેટાંના ટોળાનો ભાગ ન બની જઈએ તેની માટે છે. કારણકે જો સાચે જ ભ્રષ્ટાચાર તમને પસંદ નથી અને સમાજ તેમ જ દેશ માટે નુકસાનકારક માનો છો તો આ ભ્રષ્ટાચારને પોષવામાં મારા, તમારા અને એવાં દરેકનો જ હાથ છે. હાસ્તો, ફરજિયાત હેલ્મેટ પહેરવાનો કાયદો આવ્યો ત્યારે હેલ્મેટ કોણ નથી પહેરતું? આપણે જ. વળી, ટ્રાફિક પોલીસ પકડે તો 50 અને 100 રૂપિયાની લાંચ આપણે આપતી વખતે જરા પણ અચકાતાં નથી અને વળી એમાંય આપણે તો તેને ટેલેન્ટ ગણી બેસીએ છીએ. અરે, માન્યું કે પ્રજાસત્તાક દેશમાં કોઈ પણ કાયદો હોય તે પ્રજા માટે અને પ્રજા થકી હોવો જોઈએ. તો પછી જ્યારે કાયદો અમલમાં મૂકાયો તે સમયે જ રોકવા માટે આંદોલન કરવું જોઈએ ને? હવે જ્યારે રોજ 50 અને 100 ખિસ્સામાંથી જવા લાગ્યા ત્યારે આપણને ભાન થાય છે કે ભ્રષ્ટાચારનો રાફડો ફાટી નીકળ્યો. હૈયે હાથ રાખીને બોલો કે આમાં વાંક સૌથી વધુ કોનો? અરે જવા દો, આવા તો કેટલાંય ઉદાહરણો છે. આગ લાગે એટલે કૂવો ખોદવા બેસવાની આપણામાં માનસિકતા ભરાઈ ચૂકી છે એટલે આવા ભ્રષ્ટાચાર અને આંદોલન સામાન્ય થઈ ગયાં છે.

જો ખરેખર ભ્રષ્ટાચાર નાબૂદ કરવો હશે તો પ્રત્યેક નાગરિકે જાતે જ નક્કી કરવું પડશે અને લાંચ આપવાનું પણ બંધ કરવું પડશે. કારણકે કહેવાય છે ને કે વાંદરાને નીસરણી ન અપાય એટલે જો તમે લાંચ આપશો તો લેવાના જ છે. કદાચ તમે પણ એ જગ્યાએ હોવ તો એ જ કરો. હા, વાત સાચી છે એકદમ. કેમ, આપણે સરકારી નોકરીને પૈસા ભેગાં કરવાનું મશીન નથી સમજતાં? સરકારી નોકરી મળી જાય એટલે બસ જાણે જિંદગીમાં હવે કંઈ કરવાની જરૂર નહીં રહે તેવી માનસિકતા અને વિચારધારા સાથે આપણે જીવીએ છીએ. ફક્ત હવાલદાર જેવી માસિક રૂ.6000 નોકરી માટે રૂ. 6 લાખ સુધીની લાંચ આપીને નોકરી મેળવાતી હોય તો ત્યાં પછી એ છ લાખની વસૂલાત કેવી રીતે થાય છે તે આપણે સૌ જાણીએ છીએ.

અરે, દેશ (અને ખાસ કરીને ગુજરાત) ના રાજકીય પક્ષોની શરમજનક હરકત તો જુઓ. જ્યાં કોંગ્રેસ પક્ષ લોકાયુક્ત નિમવાની માંગણી સાથે ફક્ત ભાજપની ઘોર ખોદવા માટે (ભ્રષ્ટાચાર રોકવા નહીં) ગુજરાતમાં અનશન અને આંદોલન કરી રહી છે. ત્યારે દિલ્હીમાં કોંગ્રેસ લોકપાલ બિલ પાસ નથી કરી રહી તો પછી ગુજરાત અને કેન્દ્રનો કોંગ્રેસ પક્ષ અલગ અલગ છે કે શું ભાઈ? અરે ભ’ઈ (ગુજરાત કોંગ્રેસ) જરા તમારા હેડક્વાર્ટ્સમાં જ અપીલ કરો લોકપાલ બિલ પાસ કરવાનું તો એનો લાભ ગુજરાતને આપોઆપ થવાનો જ છે ને. રાજકીય રોટલાં શેકીને તેમ જ ખોટા દેખાડા કરીને ભોળી પ્રજાને ભટકતી કરવાનો પ્રયાસ બંધ કરો તેવી નમ્ર વિનંતી છે.

આપણે કહીએ છીએ કે પ્રજાના રૂપિયા છે, દેશ પ્રજાનો છે… અરે, પણ તમને દેશની ક્યાં પડી છે? આજનો પોલીસ, નેતા કે સરકારી કર્મચારી જેને આપણે ભ્રષ્ટાચારના રાક્ષસ માનીએ છીએ એ ગઈ કાલના આમ નાગરિક જ હતાં. એ આવ્યાં ક્યાંથી? તમારા અને મારા વચ્ચેથી જ આ નેતાઓ ઊભાં થયાં છે પરંતુ સતત લાંચ-રૂશ્વત લેવા અને આપવાના કલ્ચરમાં પોષાયેલા લોકોથી અન્ય કોઈ અપેક્ષા રાખી ન શકાય. એટલે સુધરવું તો આપણે જ પડશે.

સૌથી મહત્ત્વની વાત કરીએ તો, લોકપાલ અને લોકાયુક્ત આવી જશે તો શું થઈ જશે? જો એ પ્રતિનિધિ પણ ભ્રષ્ટાચારી બની ગયો તો? હા, આ થવાની શક્યતા સોયે સો ટકા છે, કારણકે હાલમાં પણ નેતા અને પ્રતિનિધિની નિમણૂક આપણે જ કરીએ છીએ ને. એટલે જરા થોભીને વિચારવાની જરૂર છે. જરૂર છે સિસ્ટમ બદલવાની, આપણે આપણી જાતને બદલવાની. 


આ બધા આંદોલન અને સમસ્યાનો એક જ હલ છે અને એ કે ભારતની પ્રજાએ ખરા અર્થમાં જાગવું પડશે. જે ફક્ત અણ્ણા સાથે એક દિવસ કે પંદર દિવસ જાગીને ઉજાગરા કે ભૂખ હડતાળ કરે નહીં ચાલે. આ માટે સાચા અર્થમાં તમારી આત્મા અને ઝમીરને હરહંમેશ જાગતો રાખવો પડશે.  લાંચ લેવાની સાથે સાથે આપવાની પણ બંધ કરવી અને કરાવવી પડશે.

Saturday, July 23, 2011

ટાગોર હોલમાં ઉમાશંકર જોષીનો ‘જન્મશતાબ્દી મહોત્સવ’ મારા શબ્દોમાં

21 જુલાઈ, 1911 આ દિવસે ઉમાશંકર જોષીનો જન્મ થયો હતો. જૂની પેઢી માટે આજે પણ ઉમાશંકર જોષી - ‘ગુજરાતી ભાષામાં લખનાર ભારતીય સાહિત્યકાર’ જેવા સાહિત્યકારની ઉણપ વર્તાઈ રહી છે. જ્યારે આજની નવી પેઢી કદાચ તેમને ફક્ત એક કવિ તરીકે જ જાણતી હશે. એ પણ જો ગુજરાતી પાઠ્યપુસ્તકની ક્રમણિકામાં યાદીમાં ઉમાશંકર જોષી એમ કવિના નામ તરીકે નજર પડી હોય તો જ.

હાલમાં જ બે દિવસ પહેલાં 21 જુલાઈ, 2011ના રોજ શ્રી જોષીનો જન્મશતાબ્દી મહોત્સવ ટાગોર હોલ, પાલડી, અમદાવાદ ખાતે યોજાયો હતો. હું એક નવા અનુભવ અને તદ્દન પ્રકૃતિવિરોધી કાર્ય કરવા હિંમત કરીને ટાગોર હોલ ખાતે શ્રી ઉમાશંકર જોષીના આ મહોત્સવ કાર્યક્રમમાં પહોંચ્યો હતો. પ્રકૃતિવિરોધી એટલે લખ્યું છે કારણકે કાવ્ય અને ગઝલ હંમેશા મને મૂંઝવી નાંખે છે કારણકે ગુજરાતી ભાષાના એ ભારે શબ્દો ક્યારેય મારા કાનથી દિલમાં ઉતર્યા નથી. જો કે આમ જોઈએ તો મારો પણ કોઈ વાંક નથી કારણકે મારો જન્મ મોડર્ન ગુજરાતમાં થયો અને કેળવણી ગુજલીશ (ગુજરાતી-ઈંગ્લીશનું મિશ્રણ) સાંભળી અને બોલીને થઈ છે. વળી, આજે બુક કરતાં વધારે ફેસબુકનો ઉપયોગ કરતો થયો છું ત્યારે સાહિત્યનું વાંચન તેમ જ તેની મહત્તા ક્યાંથી સમજાય?

તેમ છતાં એક ગુજરાતી હોવાના કારણે ગુજરાતી ભાષામાં ઊંડી સમજ ન હોવા છતાં પણ હંમેશા મનના ખૂણે ક્યાંક (સોફ્ટ કોર્નર) તેના માટે પ્રેમ તો રહેલો જ. બસ, ગઈ કાલે સાંજે કદાચ આ જ પ્રેમ કોર્નરમાંથી સેન્ટર પર આવી ગયો અને ટાગોર હોલ પર જઈને શ્રી ઉમાશંકર જોષી વિશે વધુ જાણવાની ઈચ્છાએ જન્મ લીધો. પ્રામાણિકપણે કહું તો મારા માટે ઉમાશંકર જોષી એટલે અભ્યાસ દરમ્યાન પુસ્તકમાં કવિ તરીકે વાંચેલ નામ અને એક જાણીતા કવિ હતાં, બસ આટલું જ.

ટાગોર હોલ પહોંચ્યો ત્યારે હોલની બહારના પેસેજમાં પ્રોજેક્ટર મૂકીને 50-60 સફેદ ખુરશી નાંખીને લોકો એક વ્યાખ્યાન સાંભળતા હતા તેના પર નજર ગઈ. મનમાં એક મૂકહાસ્ય થયું કે જે કાર્યક્રમ જોવા આવ્યો તેની આવી વ્યવસ્થા? આટલા જ શ્રોતાઓ? એ પણ પ્રોજેક્ટર પર? આવા અમુક ઘણાં પ્રશ્નોએ મારા મનમાં શંકા પેદા કરી દીધી. જો કે એટલામાં જ આમંત્રિત કરેલા મિત્ર બિનીત મોદી મળ્યાં અને તેમણે હોલની અંદર જઈને સાંભળવા જણાવ્યું ત્યારે શંકાઓનું મૃત્યુ થયું.

હોલમાં પ્રવેશ્યો ત્યારે દાદરા સુધી પહોંચતી વખતે મનમાં ફરી શંકા પેદા થઈ અને તેનું કારણ હતું નિરવ (પિનડ્રોપ) શાંતિ હતી. શંકાને વાચા મળી અને મનમાં બોલી બોસ હોલ ખાલીખમ લાગે છે એટલે કોઈ અવાજ નથી. કોણ આવે આજના જમાનામાં કાવ્ય અને સાહિત્યની મજા લેવા? ફેશન શો અને ડાન્સ શો જોવા માટે જ આવનારી ઈ-યુગ જનરેશનની પ્રજા ટાગોર હોલમાં ક્યાંથી ફરકે? દાદરના ત્રણ પગથિયા ચઢ્યો ત્યાં ફરી એકવાર શંકાઓનું મૃત્યુ થયું. કારણ શું? કારણ એ જ કે મારી નજર હોલમાં ચારેબાજુ ફરીવળી. પરંતુ ત્યાં કેટલાં હાજર છે તે જોવા માટે નહીં પરંતુ એટલા માટે કે અહીં તો કેટલાં બધાં હાજર છે તેવા આશ્ચર્યની સાથે આંખો પહોળી થઈ ગઈ. ચારેબાજુ ખીચોખીચ મેદની જોઈ હું દંગ રહી ગયો. વળી, બેસવાની જગ્યા ન મળતા છેવટે ચાલવાની જગ્યાએ પણ મદમસ્ત થઈને લોકો નીચે બેઠાં હતાં. પરંતુ આ મેદનીમાં જ્યારે 50 ટકાની વસ્તીમાં યંગિસ્તાન જોવા મળ્યું ત્યારે તો બાકી રહી ગયેલી મારી અંદરની શંકાઓનું જાણે મેં હત્યા કરવાનું ચાલુ કરી દીધું.

પોણો કલાક ઊભા રહીને માંડ માંડ બેસવા માટે ખુરશી મળી. શ્રી ઉમાશંકર જોષીના જીવનયાત્રાની સફરે મને પોણો કલાક ઊભો તો રાખ્યો અને તે પણ હોલમાં એ મારા માટે સૌથી આશ્ચર્યની વાત છે. વધુ રસ જાગ્યો અને ખુરશી પકડીને બેસી રહ્યો. એટલામાં શ્રી જોષી દ્વારા રચાયેલા કાવ્યોનું પઠન થવા લાગ્યું, તેમના કાવ્યો પર નૃત્ય થવા લાગ્યું ત્યારે કાવ્ય અને શાસ્ત્રીય સંગીત બંને પ્રત્યે માન અને રસ વધી ગયો. પરંતુ તેમના ‘જઠરાગ્નિ’એ રીતસર મારા જઠરમાં એક કંપન ઉભું કરી દીધું એવું લાગ્યું. આ વાક્યને જરાપણ અતિશયોક્તિ ન ગણતાં કારણકે હું ક્યારેય સાહિત્યરિસક નથી રહ્યો અને ક્યારેય પુસ્તકનું વાંચન નથી કર્યું માટે અહીં કોઈ લાગવગ કે કોઈ ભલામણ નથી. ફક્ત ને ફક્ત મારા પ્રામાણિક અનુભવો છે.

સૌથી વધુ રસ તેમ જ આનંદ એટલે મળ્યો કારણકે હોલમાં સાંભળેલા તેમના કાવ્યો વર્ષો પુરાણા હતાં પરંતુ અમારી ભાષામાં કહીએને તેનો ‘ટચ’ આજના જમાનાને પણ સ્પર્શે એવો હતો. પ્રિન્ટ થયેલા કાવ્યોના પાનાં પીળા અને ઝાંખા પડી ગયાં હતાં પરંતુ તેમનો મર્મ અને ચિતાર આજે પણ એટલાં જ તાજાં અને આજની પેઢીને પણ સ્પર્શે તેવા જ હતાં. અને આ જ કારણોસર હોલની મેદનીમાં મને મારા જેવાં યુવાન ચહેરાઓ પણ જોવા મળ્યાં હતાં. 


બીજા દિવસે આવીને ઉમાશંકર જોષી વિશે વાંચવાનું અને જાણવાની મારી તીવ્ર ઈચ્છાને રોકી ન શક્યો. ત્યારે તેમની જીવનયાત્રા વાંચીને મારા મનમાંથી ફક્ત એક કવિ તરીકેની તેમની તદ્દન ‘ખોટી છાપ’ ભૂંસાઈ ગઈ. બસ, આ તેનું જ પરિણામ છે કે મારો સાહિત્યમાં રસ વધ્યો અને આટલું લખી કાઢ્યું. આટલી મહાન વ્યક્તિ વિશે લખ્યું છે ત્યારે ભૂલચૂક માફ કરશો.

આવ્યો વરસાદ... અને ભીંજવી ગયો પાછી એ જ યાદ

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

મોસમનો પહેલો વરસાદ વરસે છે ત્યારે આવી જ પંક્તિઓ લોકોના (ઉંમર પ્રમાણે હોં) મનમાં રટણ કરતી થઈ ગઈ હશે. વરસાદ વરસે ત્યારે બુંદોની સાથે સાથે સંસ્મરણોનો પણ મનમાં વરસાદ થવા લાગે છે. પહેલાં વરસાદમાં શું કર્યું હતું તેનું સમગ્ર ચિત્રણ આંખોની સમક્ષ ભીનું થઈ જાય છે.

કોઈ હાઈ-વે પર લોંગ ડ્રાઈવને યાદ કરે છે, તો કોઈ બાળપણમાં ચડ્ડીધારી મિત્રો સાથે કાગળની હોડી બનાવીને તરતી મૂકવાના અનુભવને યાદ કરે છે. કોલેજની બહાર ગરમાગરમ મકાઈ ખાવાનું, પ્રિયજન સાથે હાથમાં હાથ પકડીને ભીંજતા ચાલવાનું, ભીની માટીની મહેક, બાઈક લઈને મિત્રો સાથે ફરવાનું, પાણીમાં છબછબીયા કરવાનું, આકાશ સામે નજર કરી ચહેરા પર વરસાદના ટીપાંને સ્પર્શ કરવું, ચાલતી કારમાં હાથ બહાર કાઢીને વરસાદનો આનંદ માણવો, ઘેરા આકાશના ઘૂઘવાટાનો અવાજ સાંભળવો અને કડાકા બોલાવતી વીજળીનો અવાજ સાંભળવો વગેરે જેવા સંસ્મરણો મગજના કોઈક ખૂણામાં ધૂળ ખંખેરીને ફટાક દઈને આંખોની સામે તાજાં થઈ જતાં હોય છે.

કદાચ, આટલું વાંચતી વખતે પણ તમારા જીવનના આવાં જ કેટલાંય દ્રશ્યો તમારી આંખો સમક્ષ હાજર થઈ ગયાં હશે, હે ને ! જો તમારી પાસે પણ ‘પહેલી પહેલી બારિસ’ના ભીના અને મધુર પ્રસંગોની યાદ હોય તો અમારી સાથે શેર કરો...

જીવનમાં કંઈક કર્યું છે તેવા અહેસાસ માટે કરી જુઓ રક્તદાન

૧૪મી જૂન એટલે વર્લ્ડ બ્લડ ડોનર ડે (વિશ્વ રક્તદાતા દિવસ). આ દિવસથી સંકલ્પ કરીએ અને રક્તની જરૃરિયાતવાળી વ્યક્તિને રક્તદાન કરી એક જિંદગી બચાવીએ, એ એક જિંદગીને કારણે અનેક જિંદગીઓ હસતી રહેશે. લોહીને જીવનનું મૂળભૂત તત્ત્વ ગણવામાં આવ્યું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે અબજો ઘાયલ સૈનિકોને અન્યનું લોહી આપવાની પદ્ધતિ જીવન બચાવનાર તત્ત્વ બન્યું ત્યારથી સફળ પદ્ધતિ તરીકે માન્યતા પામનાર રક્તદાન આજે સમગ્ર જગતમાં વ્યાપક રીતે વિકાસ પામીને વ્યક્તિની જિંદગી બચાવતું રહ્યું છે.

આવો, રક્તદાન વિશે અને કોણ રક્તદાન કરી શકે તેની વિસ્તૃત માહિતી જાગૃત થઈએ.

રક્તદાન

વ્યક્તિના શરીરમાં પાંચથી છ લિટર જેટલું લોહી વહેતું હોય છે. રક્તદાન દરમિયાન એમાંથી ફક્ત ૩૦૦થી ૪૫૦ મિ.લિ. જેટલું જ લોહી દાન કરી શકાય છે.જે ૨૪થી ૪૮ કલાકમાં ફરી બની જાય છે. વળી, એ માટે કોઈ ખાસ ડાયટ. દવાઓ કે આરામની કોઈ જરૃર રહેતી જ નથી.

કોણ કરી શકે ?

૧૮થી ૬૦ વર્ષની કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ, જેનું વજન ૪૫થી ૫૫ કિલો જેટલુ હોય, પલ્સ એટલે કે નાડીના ધબકારા દર મિનિટે સાઠથી સોની વચ્ચે રહેતા હોય.

આટલું ધ્યાન રાખો

· રક્તદાતાએ છેલ્લા ૪૮ કલાકમાં બ્લડપ્રેશરની, પેઈન કિલર કે કોઈ પણ પ્રકારની દવા લીધી ન હોવી જોઈએ.

· ૪૮ કલાક પહેલાંથી આલ્કોહોલ ન લીધું હોય કે સ્મોકિંગ ન કર્યું હોય. છેલ્લા છ માસમાં તેના પર કોઈ પણ પ્રકારની સર્જરી કરવામાં ન આવી હોય.

· રક્તદાતાને છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન કમળો થયો ન હોય એ જરૃરી છે.

· હેપેટાઈટિસ બી, સી અને સિફિલિસ જેવા રોગની તકલીફ જીવનમાં ક્યારેય થઈ ન હોય તેમજ એચ.આઈ.વી. ટેસ્ટ નેગેટિવ હોય, તેજ રક્તદાન કરી શકે છે.

· પુરુષ વ્યક્તિ દર ૨-૩ મહિને અને સ્ત્રી વ્યક્તિ દર ૪-૬ મહિને રક્તદાન કરી શકે છે.

રક્તદાન પૂર્વે

રક્તદાન કરતાં પહેલાં કોઈ પણ ચીજવસ્તુ ખાઈ શકાય. હળવો નાસ્તો અને તેની સાથે કોઈક પીણું (માદક નહીં) લઈ શકાય, જેથી રક્તદાન કરવું અતિ અનુકૂળ, રાહતમય અને આરામદાયક રહે છે.

રક્તદાન વખતે

રક્તદાનની કાર્યવાહી ખૂબ જ સરળ અને સીધી છે. તમે રક્તદાન કેમ્પમાં પહોંચો કે તુરત જ એક ફોર્મમાં તમારી થોડી વિગતો ભરવાની હોય છે. ત્યાં રહેલા તબીબી ચિકિત્સક તમારી તબીબી માહિતી મેળવે છે. તમારું વજન, લોહીનું દબાણ, હૃદયના ધબકારાની જાણકારી માટે નાડી પરીક્ષણ, શરીરનું તાપમાન વગેરે માપવામાં આવે છે અને તેની નોંધ કરાય છે. તમે એનિમિક (ફીકાશવાળા) તો નથી ને, તેની ખાતરી કરવા માટે તમારા લોહીનું એક નાનું ટીપું લેવાય છે. બસ.... તમે આ સરળ અને સાદી તબીબી તપાસમાંથી પસાર થઈ જાવ પછી તમને રક્તદાન માટેની જગ્યાએ લઈ જવાય છે. રક્તદાનની ક્રિયા ફક્ત ૧૦-૧૨ મિનિટની જ હોય છે. ત્યાર પછી, તમને થોડો આરામ આપવામાં આવે છે.

રક્તદાન પછી :

શરીરના પ્રવાહીને સરભર કરવા માટે કોઈ પણ પીણું (ઠંડુ કે ગરમ) કે પછી ફળોનો રસ પી શકાય. જ્યાં રક્તદાન કેમ્પ હોય છે તે સ્થળે આ બધી જ સગવડ ઉપલબ્ધ હોય છે, તેમના તરફથી આ સગવડ તમને મળી રહે છે.

બ્લડ બેંક કાર્ય :

બ્લડ બેંકમાં એકઠાં થયેલાં લોહીનાં ઘટકતત્ત્વો જેવાં કે લાલકણ, પ્લેટલેટ્સ વગેરેનું પદ્ધતિસર વર્ગીકરણ પરીક્ષણ કરવામાં આવે છે. આવશ્યક ઉષ્ણતામાનમાં સંગ્રહ કરાય છે અને ક્રોસ મેચિંગ કરીને જરૃરિયાતવાળા દર્દીઓને એ લોહી અપાય છે.

બ્લડ ગ્રૂપ :

A : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A એન્ટિજન આવેલા હોય અને ‘B’ પ્રકારના એન્ટિબોડીઝ બ્લડ પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ ગ્રૂપ A કહેવાય.

B : ‘B’ એન્ટિજન આવેલા હોય અને A પ્રકારના એન્ટિબોડીઝ બ્લડ પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડગ્રૂપ ‘B’ કહેવાય.

AB : A અને ‘B’ બંને એન્ટિજન આવેલાં હોય અને બંને પ્રકારના એન્ટી બોડીઝ બ્લડ પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું ‘AB’ ગ્રૂપ કહેવાય.

O : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A અથવા ‘B’ કોઈ પણ પ્રકારના એન્ટિજન આવેલા ન હોય અને બંને પ્રકારના એન્ટિબોડીઝ બ્લડ પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડગ્રૂપ ‘O’ કહેવાય.

પોઝિટિવ અને નેગેટિવ :

આ એ, બી, એબી અને ઓ ઉપરાંત બ્લડગ્રૂપમાં પોઝિટિવ અને નેગેટિવ ગ્રુપ્સ પણ હોય છે. આરએચ ફેક્ટર તરીકે ઓળખાતા એન્ટિજન અને એન્ટિબોડીઝની હાજરી કે ગેરહાજરી પરથી આ બે ગ્રૂપ જુદાં પડે છે.

પોઝિટિવ : જે વ્યક્તિમાં ઉપરોક્ત એન્ટિજન ઉપરાંત લાલ રક્તકણોની સપાટી પર RH એન્ટિજન પણ હાજર હોય એ લોહી RH પોઝિટિવ ગણાય.

નેગેટિવ : જે વ્યક્તિમાં લાલ રક્તકણોની સપાટી પર RH એન્ટિજન હાજર ન હોય એને RH નેગેટિવ લોહી કહેવાય.

બ્લડ ગ્રૂપ મેચ :

લોહીના મુખ્ય ચાર પ્રકાર હોય છે. આ ચારેયમાં પોઝિટિવ અને નેગેટિવ બંને હોઈ, કુલ આઠ પ્રકારનાં બ્લડગ્રૂપ માનવ શરીરમાં હોય છે. જ્યારે કોઈ એક વ્યક્તિને બીજી વ્યક્તિનું લોહી ચડાવવું પડે ત્યારે ક્યું બ્લડ ગ્રૂપ કોની સાથે મેચ થાય છે. એ જોવું ખૂબ જ જરૃરી છે. જો મેચ થતું ન હોય તેવું લોહી દર્દીને અપાય તો દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

કોણ કોને લોહી આપી શકે ? :

A ગ્રૂપધારક વ્યક્તિ A અને ‘AB’ ગ્રૂપ ધરાવતી વ્યક્તિને, ‘B’ ગ્રૂપ ધારક વ્યક્તિ ‘B’ અને ‘AB’ ગ્રૂપ ધરાવતી વ્યક્તિને, ‘AB’ ગ્રૂપધારક વ્યક્તિ ‘AB’ ગ્રૂપ ધરાવતી વ્યક્તિને અને ‘O’ ગ્રૂપધારક વ્યક્તિ ‘A’, ‘B’, ‘AB’, ‘O’ ગ્રૂપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે છે.

કોણ કોનું લોહી લઈ શકે ?:

A ગ્રૂપ ધરાવનારી વ્યક્તિને A તથા ‘O’ ગ્રૂપનું,

‘B’ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિને ‘B’ તથા ‘O’ ગ્રૂપનું,

‘AB’ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિને A,’બી’, ‘AB’, ‘O’ ગ્રૂપનું,

Oગ્રૂપ ધરાવનારી વ્યક્તિને માત્રને માત્ર Oગ્રૂપનું લોહી મેચ થાય છે.

‘AB’ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિ દરેક પ્રકારનું ગ્રૂપનું લોહી લઈ શકે એમ હોવાથી એને યુનિવર્સલ રિસિવર બ્લડ-ગ્રૂપ કહેવાય છે. જ્યારે Oગ્રૂપ ધરાવનારી વ્યક્તિનું લોહી કોઈ પણ બ્લડ-ગ્રૂપ ધરાવનારને આપી શકાતું હોવાથી એને યુનિવર્સલ ડોનર બ્લડ ગ્રૂપ કહે છે.

RH ફેક્ટર :

લોહીની આપ-લેમાં પોઝિટિવ અને નેગેટિવ આર એચ ફેક્ટરનો પણ આધાર રહે છે. આરએચ. નેગેટિવ ધરાવનારી વ્યક્તિ આર.એચ. પોઝિટિવ તેમજ નેગેટિવ બંને પ્રકારના લોકોને લોહી આપી શકે છે. જ્યારે આરએચ પોઝિટિવ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિનું લોહી આરએચ. પોઝિટિવ ધરાવનારા ગ્રૂપને જ આપી શકાય છે, પરંતુ તે આરએચ નેગેટિવ ગ્રૂપવાળું લોહી લઈ શકે છે.

ફાયદા :

રક્તદાન કરવાથી થતા ફાયદા અંગે ડોક્ટરોમાં હજી એકમત સધાયો નથી, પરંતુ વિશ્વની જુદી જુદી સંશોધન સંસ્થાઓના ડોક્ટરોએ બ્લડ ડોનેશનને કારણે થઈ શકે એવા ફાયદાઓની શક્યતાઓ જણાવી છે.

· પુરુષોમાં હૃદયરોગોની શક્યતાઓ ઘટે છે. લોહી આપવાથી શરીરમાં રહેલા લોહીમાંના લાલ રક્તકણો વધુ પેદા થાય છે. એવું સંશોધકોનું કહેવું છે.

· જે વ્યક્તિઓનો લોહીમાં આયર્નનો ભરાવો થવાની શક્યતાઓ રહેતી હોય તેઓ જો વખતોવખત રક્તદાન કરે તો તેમના લોહીમાં મોટી માત્રામાં આયર્ન એકઠું થતું અટકે છે.

· રક્તનું દાન કરવાથી શરીરમાં બ્લડ સક્યુલેશન (રક્ત પરિભ્રમણ) સુધરે છે. લોહીમાંનાં ઝેરી કેમિકલ્સનું પ્રમાણ પણ ઘટે છે.

· રક્તદાન કરવાથી કોઈ પણ જાતની આડઅસર થતી નથી.

સંપર્ક

રક્તદાન કરવા માટે આપના ઘરની નજીક આવેલી કોઈ પણ જનરલ હોસ્પિટલનો, માન્ય સંસ્થાનો કે અવારનવાર યોજાતા કેમ્પનો સંપર્ક કરી શકો છો.

દરેક વાચકોને આજના દિવસે નહીં તો અન્ય કોઈપણ દિવસે રક્તદાન કરી એક જીવન બચાવવાની નમ્ર અપીલ કરે છે. ન જાણે તમારા રક્તદાનથી કોઈકનું મૂરઝાયેલું જીવન ખીલી ઉઠે. અરે, કરી તો જુઓ રક્તદાન, જીવનમાં કંઈક કર્યું છે તેવો સોયે સો ટકા અહેસાસ થશે જ.

વિશ્વ તમાકુ વિરોધી દિવસ – શું પડીકી, સિગારેટ અને તમાકુ નહીં છૂટે?

આખી દુનિયામાં ફક્ત તમાકુની બનાવટોની ચીજવસ્તુઓ જ એવી છે કે જેને એડવર્ટાઈઝમેન્ટની જરૂર નથી પડતી. ક્યારેય બીડી-સિગારેટ કે તમાકુવાળાને જાહેરખબર આપવાની તાતી જરૂર રહેતી નથી. જાહેરાત ન આપો તો પણ ચાલે અને આપો તો વધારે ચાલે. કારણ? માત્ર ને માત્ર વ્યસન ધરાવતા લોકોની માનસિકતા. હા, માનસિકતા એટલા માટે કારણકે માનસિક રીતે વ્યસની લોકો તમાકુ, પાન, બીડી, સિગારેટની આદત માટે પોતાના મનને મજબૂત રીતે મનાવી લેતાં હોય છે જેનાથી તમાકુનું વેચાણ જાહેરખબરોનું મહોતાજ નથી રહેતું. ખરેખરમાં તમાકુની આદત એ પોતાના મન અને આત્મવિશ્વાસ પર કાબૂ નહીં મેળવી શકવાનું એક પરિણામ અને નિશાની છે. બાકી, 9 મહિનાનું બાળક પણ જ્યાં માતાનું ધાવણની આદત છોડી શકતું હોય તો ત્યાં આ ઢાંઢાઓથી તમાકુની આદત ન છૂટે?

આમ તો, તમાકુ ખાવાની આદત શારીરિક રોગ કરતાં માનસિક રોગની ઓળખ પર સાચી ઠરે. કારણકે તમાકુના સેવનની આદત મુખ્યત્વે એકબીજાની દેખાદેખીમાં અથવા તો સ્ટેટસ સિમ્બોલ બતાવવા વિકસતી હોય છે. ટીનેજર યુવાવયનો થઈ ગયો છે તે બતાવવા માટે તમાકુનું સેવન કરે છે તો યુવતીઓ અમે 21મી સદીની બિન્દાસ યુવતી છે તેમ વિચારીને સિગારેટના ધુમાડા ઉડાવે છે. જ્યારે ગામડાંના લોકો નવરાં બેઠાં કરવું શું તો ચાલો તમાકુ ખાઈએ તેમ જ તમાકુ ખાવાથી ખેતી તેમ જ મજૂરી કામ કરવામાં શક્તિવર્ધક માનતા હોય છે. જ્યારે કેટલાંક લોકો પુરુષત્વની શાનને આંચ ન આવે તેવી વિચારધારાને વળગીને તમાકુ અને સિગારેટની ફૂંકો મારવાની છોડતા નથી.

માનીએ છીએ કે જીવન શોખ અને આનંદથી ભરપૂર જીવવું જોઈએ પરંતુ પ્રશ્ન એ છે કે ખરેખર તમાકુના સેવનમાં શાંતિ અને આનંદ છે ખરો? આના કરતાં તેના પાછળ થતો ખર્ચ અંદાજે રોજનો રૂ.50 (મહિને 1500) અન્ય કોઈ સામાજિક અથવા વિકાસના કામમાં ખર્ચવાથી જે આનંદ મળશે તે તમાકુના સેવનથી મળતા આનંદથી સોયે સો ટકા બમણો હશે.

યંગ જનરેશન જે ‘સિગરેટ કા ધૂંએ કા છલ્લા બનાકે’ અને ‘દમ મારો દમ’ જેવા ફક્ત ગીતોથી જ પ્રેરાઈને ઘેટાંચાલની માફક તમાકુના આદી થઈ જતાં હોય છે. ત્યાર આવા કાચા મનના યંગિસ્તાને પોતાની વિચારશક્તિને સ્વાવલંબી અને મજબૂત બનાવીને દેશના નહીં પરંતુ પોતાના અને પરિવારની વિકાસની દિશામાં વિચારવું જરૂરી છે. કારણકે તમારો વિકાસ થશે તો દેશનો આપોઆપ થવાનો જ છે.

અને જો ફૂંકવા અને ચાવવાની જ આદત સેવવી હોય તો શ્રમરૂપી તમાકુ ચાવો અને વિકાસરૂપી ધુમાડો ફૂંકી જુઓ પછી જો જો સફળતાનો નશો તમને ચઢ્યા વિના નહીં રહે...

દર વર્ષે 31મી મે એ વિશ્વ તમાકુ વિરોધી દિવસે કેટલાંય લોકો સંકલ્પ કરે છે કે ધીરે ધીરે તમાકુ છોડી દઈશું પરંતુ મિત્રો આદત જેમ એક જ દિવસના સેવનથી લાગી હતી તેમ તેનાથી છૂટકારો પણ એક જ દિવસે લઈ લો અને ધીરે ધીરે છોડવાનું કહીને પોતાની જાતને છેતરવાની કોશિશ ન કરો. કારણકે નિષ્ણાતો પણ કહે છે કે તમાકુ છોડવી હોય તો એક ઝાટકે જ નિર્ણય કરી મન મક્કમ કરો.

મોટાભાગના વ્યસની લોકોને તમાકુના સેવન ન કરવાની સલાહ આપો એટલે એક જ જવાબ કોમન મળે કે મરવાનું તો ગમે ત્યારે છે જે તો પછી શું કામ ચિંતા કરીએ”. વાત સાચી, પરંતુ કેટલું જીવ્યા કરતાં કેવું જીવ્યા તે મહત્વનું છે બાકી જીવન તો ઢોર-ઢાંખર પણ જીવી કાઢે છે એમાં તમે શું મોટી ધાડ મારી?

એન્જોય, પ્રેમ અને બિન્દાસપણું જે આજની પેઢી માંગી રહી છે તે ફક્ત આ તમાકુના સેવનમાં જ નથી તેવો ક્ષણિક વિચાર કરી જુઓ. હકીકતમાં તમારા ઝમીરને ઝંઝોળીને પૂછશો તો તમાકુનું સેવન તમને પણ નથી પસંદ પરંતુ આ આદત ફક્તને ફક્ત તમારા મન પર કાબૂ મેળવવાની નિર્બળતા છે. Nothing is impossible માં માનનારી આજની પેઢી તમાકુ છોડવાનું impossible છે તેનો સ્વીકાર કેમ કરી લે છે તે નથી સમજાતું?

વાચકમિત્રોને વિનંતી છે કે આવો, ફક્ત 31મી મે નહીં પરંતુ વર્ષના દરેક દિવસને વિશ્વ તમાકુ વિરોધી દિવસ (દર 31મી મે) બનાવીને આ ધીમા ઝેરથી દૂર રહી પોતાનો અને સ્વજનોનું જીવન આર્થિક અને સામાજિક રીતે પ્રજ્જવલિત કરીએ.

6ઠ્ઠી એપ્રિલ, દાંડીકૂચ – મીઠાના કાયદાનો અને બ્રિટિશરોની આબરૂનો થયો ભંગ

12મી માર્ચ, 1930ના રોજ ‘બાપુ’એ કૂચ ઉપાડી મીઠા પર લાદેલા કરના કાયદાને ભંગ કરવા દાંડી તરફ. બાપુની ઉંમર 61 વર્ષની અને તેમાંય નવસારી નજીક આવેલું દાંડી ગામ 385 કિ.મી દૂર. તેમ છતાં ગરીબો પર આવી પડેલી આ આફતને ગમે તે ભોગે દૂર કરવા તેઓ મક્કમ બન્યાં હતાં. તેમણે આ ’દાંડીકૂચ’ 25 દિવસમાં પૂરી કરીને 6ઠ્ઠી એપ્રિલે મીઠાના અગરો પર જઈ હાથમાં મીઠું લઈ કાયદાનો ભંગ કરી બ્રિટિશરોની તાકાતને નબળી પાડી હતી.

એ વખતે 1700ની વસ્તીમાં પણ 800 મણ (1600 કિગ્રા) જેટલું મીઠું ખપતું જે સ્પષ્ટ રીતે સાબિતી આપતી હતી કે તે ગરીબોની પ્રાથમિક જરૂરિયાતમાંની એક હતી (અત્યારે પણ છે). મીઠાના કરનું અંકગણિત ગણાવતા ગાંધીજીએ કહયું " દશ પૈઈના? મીઠા પર બસો પાઈની જકાત નાખી સરકાર ગરીબ માણસોને પણ નીચોવી દે છે. આ અમાનુશી ઈજારા પધ્‍ધતિ સામે મીઠાના અગરો પર હલ્‍લો લઈ જવાનું હું વિચારૂ છું" ગાંધીજીમાં પ્રજાને તૈયાર કરવાની અજબ શકિત હતી. સાબરમતી આશ્રમમાં છેલ્‍લી સભામાં દાંડીકૂચમાં બહેનોને દાખલ કરવાનો પ્રશ્ર ઉભો થયો. ગાંધીજી એ કહયું ' બહેનોનો વારો પછીથી આવશે, આ વખતે તો મારે આપણા જુવાનોને તથા આધેડોને માથાં ફોડવતા અને છાતીમાં ગોળી ઝીલતા શીખવવું છે. આ સરકારને હું શૈતાની કહું છું મારો જન્‍મ બ્રિટિશ સામ્રાજયના નાશ કરવા માટે થયો છે.

દાંડીમાં મીઠાની ચપટી ભરતા ગાંધીજીએ કહયું બ્રિટીશ સામ્રાજયની ઈમારતના પાયામાં હું આજથી લુણ લગાવું છું. ૧૯૩૦ એપ્રિલ તા. ઠ્ઠીની આ પ્રભાત વાણી યજ્ઞ પુરૂષની ગંભીર વાણી અને ભાવિ ભારતના રાષ્‍ટ્રપિતા ગાંધીજીની આગાહી ૧૯૪૭, ૧૫મી ઓગષ્‍ટે સાચી પડી અને તેમને તે કરી બતાવ્યું. 15મી ઓગસ્ટ 1947ની તારીખ એકેય ભારતીય ભૂલી શકે એમ નથી પરંતુ આઝાદીની ચળવળમાં પાયો નાંખનાર તેમ જ જુસ્સો ભરનારો આ દાંડીકૂચનો અંતિમ દિવસ પણ ભૂલી શકાય તેમ નથી.

ટીમ ઈન્ડિયાની જીત : ક્રિકેટના જશ્નનો આ જ માહોલ ભારતીયોમાં દરેક બાબતે જોવા મળે ...

ગઈ કાલે (30/03/2011) વણનોતરી દિવાળી આવી પહોંચી હતી ભારતમાં. રસ્તા ઊભરાઈ આવ્યાં હતાં, ચીચીયારીઓ પડવા લાગી હતી, ઓળખતાં ન ઓળખતાં સૌ કોઈને અભિનંદન આપી રહ્યાં હતાં, તિરંગા સાથે બાઈક્સ અને કારનો કાફલો નીકળી પડ્યો હતો. માહોલ હતું જશ્નનું, દ્રશ્ય હતું ઉજવણીનું અને આનંદ હતો ભારતની જીતનો.

ભારત-પાકિસ્તાનની સેમી ફાઈનલ મેચ કદાચ વર્લ્ડ કપ 2011ની ફાઈનલ મેચ કરતાં પણ વધારે રોમાંચક અને ઉન્માદ પેદા કરનારી હતી. અને કેમ ન હોય, એક તો ભારતીયોનો ક્રિકેટ પ્રેમ વળી તેમાં પણ કટ્ટર પડોશી દેશ પાકિસ્તાન સાથે વર્ષો બાદ વર્લ્ડકપનો મુકાબલો હતો. એટલે ભારતીયોનું એક્સાઈટમેન્ટ સાતમા આસમાને પહોંચ્યું હતું. કાલે ટીમ ઈન્ડિયા નહીં પરંતુ આખું ઈન્ડિયા જીત્યું હોય તેમ ભારતની પ્રજાએ જીતના જશ્નનો માહોલ પેદા કર્યો હતો. કદાચ 2011માં ફરીથી ભારત આઝાદ થયું હોય તેમ તિરંગા સાથે આનંદની લહેર ભારતભરના શહેરોમાં જોવા મળી હતી. ભારતના બંધનું એલાન થયું હોય તેમ બપોરથી રાત સુધી રસ્તાઓ સૂમસામ દેખાતાં હતાં પરંતુ પાકિસ્તાનને ઓલઆઉટ કરતાંની સાથે જ સમગ્ર માહોલ ધમધમી ઉઠ્યો હતો.

વેલ ડન, ટીમ ઈન્ડિયા. પરંતુ સમગ્ર આનંદ અને જશ્ન વચ્ચે ભારતની સંપતા અને જુસ્સાને જોઈને દંગ રહી જવાયું હતું ત્યારે એક વિચાર પણ આવ્યો કે ખરેખર આવો જ જુસ્સો અને જોમનો પરચો દેશની દરેક બાબતોમાં જોવા મળે તો....? તો ભારતને ફક્ત ક્રિકેટમાં જ નહીં પરંતુ એકેય ક્ષેત્રે કોઈ તેને હરાવી શકે તેમ નથી. ભારતની પ્રજામાં આ છુપાઈ રહેલી સંપતા અને જુસ્સાના હકદાર અન્ય સ્પોર્ટ્સ પણ છે. રાજકીય, આર્થિક અને સામાજિક ભારતને પણ જરૂર છે આ જ સંપતા અને જોમની.

આશા રાખીએ છીએ કે ‘ટીમ ઈન્ડિયા’ શબ્દ ફક્ત ક્રિકેટ ટીમ માટે જ સીમિત ન બની રહે. આપના મંતવ્યોનો અમે સહર્ષ આવકાર કરીએ છીએ.